વિશ્વમાં વેચાતા સોનાનું ૨૭ ટકા ભારત ખરીદે છે. ભારત પાસે ૬૦૦ અબજ ડોલરનો છુપો સોના-ઝવેરાતનો ખજાનો છે. રિઝર્વ બેન્ક પાસે ૫૬૦ ટન અને દેશમાં ખાનગી માલિકીનું ૬૦૦ અબજ ડોલરનું સોનું છે.અમેરિકન સરકાર કરતાં ભારતની ગૃહિણીઓ સોનામાં વધુ સમૃદ્ધ છે!
કાઠિયાવાડનો પિયુ પરદેશ કમાવા જાય ત્યારે ઘરવાળીને લાલચ આપે છે કે તારે માટે ઝાઝું બધું સોનું લાવીશ, પણ પિયુનો પત્તો નથી અને સોનાનો પણ નહીં. ત્યારે પ્રિયતમા ગાય છે ‘સોના લેને પિયુ ગયે પરદેશ, સુના કર ગયે દેશ, સોના ન મિલા પિયુ ન મિલે, ઔર સફેદ હો ગયે કેશ!’ સોનું સતત મોંઘું થતું રહ્યું છે તેની કથા ચાલુ રાખીએ. કાઠિયાવાડી પિયુ શું કરે? અમેરિકાએ સોનું મોંઘું કર્યું છે. વિકટર હ્યુગોએ લામઝિરેબલ નાટકમાં કહેલું કે ‘અમુક દેશને કુદરતે જન્મજાત પ્રોસ્પેરિટી આપી છે. એ પ્રોસ્પેરિટીવાળો માણસ અંદરથી આઝાદ છે અને તેથી તેનો દેશ પણ મહાન છે.
વિકટર હ્યુગોની આ ઉક્તિ ભારતને પાંચ પાંચ હજાર વર્ષોથી લાગુ પડે છે. આ હિન્દુસ્તાન દેશ ઉપર શામળિયો અઢળક ઢળેલો રહે છે. પાકિસ્તાનીઓ આવીને ઝવેરીબજારને ફુસફુસિયા બોમ્બથી પરેશાન કરે તેનાથી આ દેશ હારે તેવો નથી. આ દેશને પોર્ચુગલો, ફ્રેન્ચો અને અંગ્રેજો પણ લૂંટી ગયા. આજે એ ત્રણેય દેશો બરબાદ છે. ઇંગ્લેન્ડ દેવાળિયું છે ત્યારે ભારત આર્થિક પાવર ગણાવા માંડ્યું છે.
મારા ગામના ચોકીદાર સદ્નસીબે પરજિયા સોની નામે ગોવિંદજીકાકા હતા. તેમની પેઢી રાત્રે ખુલ્લી મૂકી ગામની ચોકી કરવા નીકળતા. પછી આવીને ઘરેણાં ઘડતા. હું પૂછતો ‘કાકા કોઈ ચોર આવીને ચોરી ન જાય?’ તો ગોવિંદકાકા કહેતાં કે ‘અરે બચુ, અમારું પરજિયા સોનીનું તો કિરતાર પણ લૂંટી ન શકે તો ચોર શું લૂંટવાનો હતો?’ ઝવેરીબજારમાં કોઈ સાચી માટીનો સોની ધારો કે લૂંટાયો હોય તો તે રડશે નહીં. તેને તેનાં બાવડાંની કારીગરી અને કિરતાર પર પૂરો ભરોસો છે.
ત્રાસવાદીઓ ઝવેરીબજારના સોનીઓનાં દિલનું ધીંગાપણું જાણતા નથી. મહાભારતમાં કહ્યું છે કે નારી-ચરિત્ર અને પુરુષ તેમ જ ખાસ તો કારીગરના ભાગ્યને દેવતા પણ જાણતા નથી. અરે, ફરી ફરી કહું છું કે આખા હિન્દુસ્તાનને લૂંટી લૂંટીને પોર્ચુગલો, ફ્રેન્ચો અને અંગ્રેજો થાકી ગયા આજે તે તમામ બરબાદ છે અને હિન્દુસ્તાન આજે ટોચે છે. જગતનું જે સોનું વેચાય છે તેમાંથી ૨૭ ટકા હિન્દુસ્તાન ખરીદે છે. અરે, અમારા એક પણ ધર્મના દેવતા પણ સોનાના ધણીપણામાંથી બાકી નથી. હમણાં જ તમે જાણ્યું કે કેરળના પદ્મનાભ મંદિર પાસે જ પ્રથમ નજરે ૨૫ અબજ ડોલરનું સોનું પડ્યું છે.
પરંતુ આ અંદાજથી ન્યુ યોર્કના ‘વોલસ્ટ્રીટ જર્નલ’ને સંતોષ નથી. વોલસ્ટ્રીટ જર્નલ ૧૮-૭-૧૧ના અંકમાં કહે છે કે ભારત પાસે ૬૦૦ અબજ ડોલરનો છુપો સોના-ઝવેરાતનો ખજાનો છે. ‘સીટી ગ્રુપ બેન્ક’ના એનાલિસ્ટે મે ૨૦૧૧માં કહેલું કે બેન્કોના વોલ્ટોમાં અને ખાનગી સ્ટીલના કબાટોમાં ભારતની ગૃહિણીઓ અને માલિકોએ લગભગ ૧૫૦૦૦ ટન સોનું સંઘયું છે. જોકે, કોઈમ્બતુરના નિષ્ણાત ટી. કે. ચંદીરાન કહે છે કે આ આંકડો વધુ પડતો કોન્ઝર્વેટીવ છે. ખરેખર તો ૩૦,૦૦૦ ટન સોનું ભારતનાં ઘરોમાં-મંદિરોમાં પડ્યું છે.
આજે પાડોશના બે મુસ્લિમ દેશોની સરકારી તિજોરીઓ ભડભડે છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે ૫૬૦ ટન સોનું છે જેનું મૂલ્ય ૨૬ અબજ ડોલર ગણાય છે. તેનો અર્થ એ કે પદ્મનાભ મંદિરના સ્વામી આપણી રિઝર્વ બેન્ક કરતાં બમણા ધનિક છે! ધારો કે પંદર હજાર ટનનો સીટી ગ્રુપનો અંદાજ સાચો માનીએ તો ખાનગી માલિકીનું અને ગૃહિણીઓનું સોનું ઔંસના ૧૫૪૯ ડોલરના ભાવે ૭૪૩ અબજ ડોલરનું થાય. ભારત પાસે ખાનગી માલિકીનું ૬૦૦ અબજ ડોલરનું અધધ સોનું છે એ રીતે અમેરિકન સરકાર કરતાંય ભારતની ગૃહિણીઓ સોનામાં વધુ સમૃદ્ધ છે!
વોલસ્ટ્રીટ જર્નલની પત્રકાર શેફાલી કહે છે કે આ ૬૦૦ અબજ ડોલરના ભારતનાં સોના થકી સીઆઈએ વર્લ્ડ ફેસબુકના આંકડા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂતાનની કાચી રાષ્ટ્રીય પેદાશને ગણીઓ તો એ તમામ રાષ્ટ્રોને ‘વેચાતા’ લઈ શકાય પણ તે પછી ય ૨૧૦ અબજ ડોલર વધે! અને તેનાથી મલેશિયાની કાચી રાષ્ટ્રીય પેદાશ જે ૨૪૦ અબજ ડોલર ગણાય છે તેને ૯૦ ટકા ખરીદી શકાય. હા, માત્ર ચીનને આપણે ‘ખરીદી’ ન શકીએ. ચીનની કાચી રાષ્ટ્રીય પેદાશ (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ) ૬ ટ્રિલિયન ડોલર છે એટલે કે ભારત કરતાં ચાર ગણી છે.
વોલસ્ટ્રીટ જર્નલ તેના રમૂજના નક્કર આંકડાને રમાડતાં કહે છે કે જો ભારતીય ગૃહિણી તેના સોના વડે બીજા દેશો જે સંકટમાં છે તેને મદદ કરવા ઇચ્છે તો ગ્રીસથી શરૂઆત કરી શકે. ગ્રીસનું પૂરેપૂરું રાષ્ટ્રીય દેવું જે ૪૭૪ અબજ ડોલર છે તે તમામ ભારતીય ગૃહિણીનાં ઘરેણાંમાંથી ભરાઈ રહે! અને બાકીની રકમમાંથી ૧૨૬ અબજ ડોલર આપણે અમેરિકાને દાનમાં કે ઉછીનું આપી શકીએ જે બિચારું હાલમાં આર્થિક સંકટમાં છે. અમેરિકા જેવો જાયન્ટ દેશ તેનું રાષ્ટ્રીય દેવું ૧૪ ટ્રિલિયન ડોલરનું જાયન્ટ રાખે છે. પણ ભારતની ગૃહિણી અમેરિકાના આયાત- નિકાસની જે ખાધ છે તે ૪૪ અબજ ડોલરની ખાધ આસાનીથી પૂરી શકે! એ પછી બચત રહે તેમાંથી આપણે એક નવી જ જનરેશનનું સ્ટેલ્ધ ફાઈટર એરક્રાફટ બનાવવા રશિયાને ૩૬ અબજ ડોલર ઉછીના આપી શકીએ.
સોનું માત્ર કીમતી ધાતુ જ નથી, સોનું ઘણું બધું છે. સોનું ભગવાનને ય પ્યારું છે તે તો તમે પદ્મનાભ ભગવાનના ભંડાર પરથી જોયું. બાકી તો સિદ્ધિવિનાયક અને તિરુપતિ ભગવાન વગેરે વગેરે વગેરેના ભંડાર તો અગણિત છે. તેમાં હજી જૈનોનાં મંદિરોના ભંડારો ગણતા નથી. બધાં જ જૈન મંદિરોના ભંડારો ગણો પણ તોય ગોમટેશ્વર પાસે મુડબીદ્રીની ગુફામાં જે દગિમ્બર જૈનોના હીરા, માણેક, સોના વગેરેના અબજોના ભંડારો પડ્યા છે તે તો કોઈ ગણતું જ નથી.
સોનું ભગવાન બુદ્ધને પ્યારું હોય કે ન હોય પણ બેંગકોકમાં બૌદ્ધ ધર્મીઓ ભગવાન બુદ્ધની સોનાની આદમ કદની મૂર્તિનાં દર્શન કરવાના R ૩૦૦ લે છે. તે મૂર્તિનું મૂલ્ય અમૂલ્ય છે. સોનું જગતભરનું ચલણ છે. સંકટ સમયની સાંકળ છે. ભૂતપ્રેત સામેનું રક્ષણ છે. વિવિધ આયુર્વેદ જ નહીં પણ એલોપથીની દવામાં પણ અઢી ટન સોનું દર વર્ષે વપરાય છે. સોનું ખવાય છે, પીવાય છે, ઓઢાય છે, સંઘરાય છે અને તેનાથી હવે યુદ્ધો લડાય છે.સોનું ખરીદવું કે નહીં તેવા પ્રશ્નનો જવાબ તમારા કરતાં તમારી પત્ની વધુ સચોટ આપે છે. એ માત્ર જીભથી જવાબ આપતી નથી. જેવી તેની પાસે બચત થાય કે તે સોનું (ઘરેણાં) ખરીદવા સહેલી સાથે નીકળી પડશે. બજારભાવની ઐસીતૈસી!
આસપાસ, કાંતિ ભટ્ટ
No comments:
Post a Comment